દ્રૌપદી મુર્મુની રાષ્ટ્રપતિ પદ સુધીની સફર
. ૨૦ જુન ૧૯૫૮ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના ઉપરબેડા ગામમાં જન્મ
. ૧૯૭૯ : ભુવનેશ્વરની રમાદેવી મહિલા કોલેજથી બીએ કર્યું.
. ૧૯૯૭ : ભાજપમાં જોડાયા અને રાયરંગપુર નગર પંચાયતમાં કોર્પોરેટર તરીકે ચુંટાયા
. ૨૦૦૦ અને ૨૦૦૪ : રાયરંગપુર વિધાનસભા બેઠક ઉપરથી જીત મેળવી બે વાર ધારાસભ્ય રહ્યા.
. ૨૦૦૦ થી ૨૦૦૪ : ઝારખંડ સરકારમાં વાણીજ્ય, પરિવહન, મત્સ્ય પાલન, પશુ સંશાધન વિકાસ મંત્રી રહ્યા.
. ૨૦૦૨ થી ૨૦૦૯ : મયુરભંજ જિલ્લાના પ્રમુખ
. ૨૦૦૬ થી ૨૦૦૯ : ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ
. ૨૦૦૭ : સર્વશ્રેષ્ઠ ધારાસભ્યનો નીલકંઠ એવોર્ડ મળ્યો.
. ૧૮ મે ૨૦૧૫ : ઝારખંડના પહેલા મહિલા રાજ્યપાલ બન્યા.
. ૨૧ જુન ૨૦૨૨ : એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા.
નવી દિલ્હી તા. ૨૨ : દેશમાં પહેલીવાર આદિવાસી મહિલા સર્વોચ્ચ પદને શોભાવશે. એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મતગણતરી દરમિયાન મોટી જીત મળી હતી. વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા સામે મુર્મુને લગભગ બે તૃતીયાંશ વોટ મળ્યા હતા. પહેલા રાઉન્ડથી જ આગળ ચાલતા મુર્મુએ બીજા રાઉન્ડમાં ૧૩૪૯ મત મેળવેલ. જ્યારે ત્રીજા રાઉન્ડમાં તો તેમની જીત નક્કી થઇ ગયેલ. સોમવારે તા. ૨૫ના રોજ સીજેઆઇ રમન્ના મુર્મુને રાષ્ટ્રપતિ પદની ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવશે.
દેશના ૧૫મા રાષ્ટ્રપતિ બનેલ દ્રૌપદી મુર્મુએ ત્રીજા રાઉન્ડમાં જ જરૃરી મતનો આંકડો પાર કરી લીધો હતો. તેમણે ત્રીજા રાઉન્ડમાં ૫,૭૭,૭૭૭ વોટ વેલ્યુ મળી જ્યારે જીત માટે ૫.૪૩ લાખ વોટ વેલ્યુની જરૃર હતી. સંસદભવનમાં સવારે ૧૧ વાગ્યે મતગણના શરૃ થવાની હતી પણ તેમાં અઢી કલાક જેટલું મોડું થયું હતું.
મતગણનામાં સૌ પ્રથમ સાંસદોના મતની ગણતરી કરવામાં આવેલ ત્યારબાદ આલ્ફાબેટીકમાં રાજ્યોના મતોની ગણતરી હાથ ધરાઇ હતી. દ્રૌપદી મુર્મુને ૫૪૦ અને યશવંત સિન્હાને ૨૦૮ સાંસદોના મત મળ્યા હતા. આ રીતે મુર્મુના ખાતામાં સાંસદોની કુલ વોટ વેલ્યુ ૫,૨૩,૬૫૦માંથી ૩,૭૮,૦૦૦ મળ્યા હતા. જ્યારે સિન્હાને ૧,૪૫,૬૦૦ વોટ વેલ્યુ મળી હતી. મુર્મુ પહેલા જ રાઉન્ડથી લીડ મેળવવામાં સફળ રહ્યા હતા.
ત્યારબાદ ૧૦-૧૦ રાજ્યોના બેલેટ પેપરોની એક સાથે ગણતરી શરૃ કરવામાં આવેલ. બીજા રાઉન્ડમાં અરૃણાચલ, આંધ્ર, આસામ, બિહાર, ગોવા, ગુજરાત, હિમાચલ, ઝારખંડ, છત્તીસગઢ અને હરિયાણાના કુલ મતોમાંથી ૮૦૯ મત અને ૧,૦૫,૨૯૯ વોટ વેલ્યુ દ્રૌપદી મુર્મુને મળી હતી. જ્યારે ત્રીજા રાઉન્ડમાં ૧૦ રાજ્યોના કુલ ૧૩૩૩ મતોમાંથી મુર્મુને ૮૧૨ મત અને ૯૪,૪૭૮ વોટ વેલ્યુ મળતા તેમનો વિજય નિશ્ચિત બન્યો હતો.
મોડી સાંજે દ્રૌપદી મુર્મુની જીતની જાહેરાત થતા જ તેમના પૈતૃક ગામ ઓડિશાના મયુરભંજ જિલ્લાના ઉપરબેડામાં જશ્ન શરૃ થઇ ગયો હતો. પરિણામ પહેલાથી જ અહીં વિજય દિવસ મનાવવાની તૈયારીઓ પૂર્ણ કરાઇ હતી. રસ્તાઓની સફાઇ કરાયેલ, ઘરોને રોશની અને ફુલોથી શણગારાયા હતા અને લોકનૃત્ય મંડળીઓ ખાસ કરીને સંથાલી નૃત્ય કલાકારોએ ગામને ઝુમાવી દીધું હતું. ઓડિશા અને આદીવાસી સમુદાયમાંથી પહેલીવાર કોઇ વ્યકિત દેશના સર્વોચ્ચ પદે પહોંચી હોય તેની ખુશી ઉપરબેડા ગામમાં છલકાઇ આવી હતી.
દ્રૌપદી મુર્મુના ભાભી ચુડામણીએ જણાવેલ કે, દ્રૌપદીને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાતા અમારા વિસ્તારમાં વિજળી પણ આવી ગઇ હતી બસત્યારથી જ ઉજવણી શરૃ થઇ ગયેલ. મુર્મુના ભત્રીજા તુલારામની પત્ની દુલારીએ જણાવેલ કે, હું કંઇ નથી શકિત કે કેટલી ખુશી છે. તુલારામ, દુલારી અને તેમના બે બાળકો હજી પણ મુર્મુના પૈતૃક ઘરમાં જ રહે છે.
દ્રૌપદી મુર્મુએ ૨૦ જુને પોતાનો ૬૪મો જન્મદિવસ સાદગીથી મનાવ્યો હતો. ત્યારે તેમણે વિચાર્યુ પણ નહીં હોય કે આવતા ૨૪ કલાકમાં તેઓ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનશે. પોતાના નામની જાહેરાત બાદ તેમણે જણાવેલ કે હું હેરાન છું અને ખુશ પણ. મને ટીવીથી એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાતની જાણ થઇ. જો હું આ પદ માટે ચુંટાઇશ તો રાજનીતિથી અલગ દેશના લોકો માટે કામ કરીશ.(૨૧.૧૬)
પહેલા કલાર્ક પછી શિક્ષક : ૨૦૦૪ સુધી કાર પણ ન હતી
દ્રૌપદી મુર્મુએ કેરીયરની શરૃઆત ઓડિશામાં કલાર્કની નોકરીથી કરી હતી. તેઓ સિંચાઇ અને ઉર્જા વિભાગમાં જુનિયર સહાયક તરીકે જોડાયેલ. ત્યારબાદ તેમણે રાયરંગપુરના શ્રી અરવિંદો ઇન્ટીગ્રલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં માનદ શિક્ષક તરીકે ભણાવ્યું હતું.
મુર્મુ જ્યારે ૨૦૦૪માં બીજીવાર ધારાસભ્ય બન્યા ત્યારે તેમની પાસે કાર ન હતી. તેમની જમા પુંજી માત્ર ૯ લાખ હતી. તેમના પર ૪ લાખનું લેણું હતું. શપથ પત્ર મુજબ ત્યારે તેમના પતિ શ્યામ ચરણના નામે એક સ્કુટર અને એક સ્કોર્પીયો કાર હતી. આ પહેલા તેઓ ૪ વર્ષ ઓડિશામાં મંત્રી રહી ચૂકયા હતા.
મારી માતા નરમ પણ અને કડક પણ : ઇતિશ્રી મુર્મુ
નવનિયુકત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ભુવનેશ્વર રહેતી પુત્રી ઇતિશ્રીએ જણાવેલ કે, બીજી માતાઓની જેમ તેઓ કયારેક - કયારેક સ્ટ્રીકટ અને કયારેક સોફટ હોય છે. તેઓ મારી શાળામાં શિક્ષક હતા ત્યારે મને ડબલ પ્રેસર રહેતું હતું. તેઓ સરપ્રાઇઝ ટેસ્ટ લેતા. તેમની અંદર શરૃઆતથી જ અનુશાસન રહ્યું છે.
ભારતે ઇતિહાસ લખ્યો છે : નરેન્દ્રભાઇ
દેશના ૧૫માં રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુની જીતની જાહેરાત થતાં વડાપ્રધાન નરેન્દ્રભાઇએ તેમને ઘરે જઇને શુભેચ્છા આપી હતી. નરેન્દ્રભાઇએ જણાવેલ કે, ભારતે ઇતિહાસ લખ્યો છે. જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે પૂર્વ ભારતના એક દુરના વિસ્તારમાં જન્મેલ એક આદિવાસી સમુદાયની દિકરીને રાષ્ટ્રપતિ ચુંટવામાં આવ્યા છે. દ્રૌપદી મુર્મુને અભિનંદન...
(2:58 pm IST)
🗳કેવી રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી?🗳
લાયકાત(અ.58):
📌ભારતનો કોઈપણ નાગરિક ગમે તેટલી વાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી શકે છે, પરંતુ તેની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષ હોવી જરૂરી છે. લોકસભાના સભ્ય હોવાની પાત્રતા અને કોઈપણ લાભનાં પદ પર ન હોવાની સાથે સાથે ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 50 પ્રસ્તાવક અને 50 સમર્થક ધારાસભ્ય હોવા જરૂરી છે.
📌શરૂઆતમાં આ સંખ્યા 2-2 હતી એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે માત્ર બે મંજૂરકર્તા અને બે નામાંકિત ધારાસભ્યોની જરૂર હતી. તેથી તે સમયે ચૂંટણી લડવું ખૂબ જ સરળ હતું. આ નિયમનો કેટલાક વર્ષો સુધી દુરુપયોગ પણ થતો હતો. 1974માં સંવિધાનમાં સંશોધન કરીને બે-બે ધારાસભ્યોની અનિવાર્યતાને હટાવીને 10-10 કરવામાં આવી. ત્યારબાદ 1997માં સંશોધન કરીને આ સંખ્યા 50-50 કરવામાં આવી. એટલે કે હવે કોઈ વ્યક્તિને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવી હોય તો ચૂંટણી પ્રક્રિયામાં શામેલ થનારા ઓછામાં ઓછા 100 ધારાસભ્ય તેને જાણતા હોય, તે જરૂરી છે.
ચૂંટણીમાં કોણ-કોણ મતદાન આપી શકે છે:(અ.55)
📌 દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અપ્રત્યક્ષ રૂપથી થાય છે એટલે કે તેમાં જનતા મતદાન નથી કરી શકતી. રાજ્યસભા અને વિધાન પરિષદમાં નામાંકિત સભ્યો અને વિધાન પાર્ષદ પણ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ નથી લઈ શકતા. માત્ર ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદો, લોકસભાના સાંસદો અને ધારાસભ્યો જ મતદાન કરી શકે છે.
- જો કોઈ રાજ્યના મુખ્યમંત્રી વિધાન પરિષદના સભ્ય હોય તો તે પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી.
- રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ દ્વારા થાય છે. એટલે કે, રાજ્યસભા, લોકસભા અને વિધાનસભાના સભ્ય માત્ર એક જ વોટ આપી શકે છે.
📌રાષ્ટ્રપતિની ચૂંટણી વોટિંગ બૅલેટ મારફતે યોજાય છે. આ વખતે રાષ્ટ્રપતિ મતદાતામંડળમાં 4,807 મતદારો હતા. જેમાંથી રાજ્યસભાના 233, લોકસભાના 543 અને વિધાનસભાઓના 4,033 સભ્યો સામેલ છે.
વોટિંગ દરમિયાન દરેક સભ્યની વોટ વૅલ્યૂ:
📌આ વખતે દરેક સાંસદોના વોટની વૅલ્યૂ 700 નક્કી કરવામાં આવી હતી. જ્યારે દરેક રાજ્યના ધારાસભ્યોની વોટ વેલ્યૂ જે તે રાજ્યની વસતીઆધારિત હોય છે.જેમ કે, ઉત્તર પ્રદેશમાં દરેક ધારાસભ્યની વોટ વૅલ્યૂ 208 છે. જ્યારે મિઝોરમમાં 8 અને ગુજરાતમાં 147.
📌ધારાસભ્યોના વોટોનું કુલ વેઇટેજ 5,43,231 અને સંસદસભ્યોના વોટનું વેઇટેજ 5,43,200 છે. આમ, ઇલૅક્ટોરલ કૉલેજમાં સામેલ તમામ સભ્યોના વોટનું કુલ વેઇટેજ 10,86,431 થાય છે.
📌કોઈ પણ ઉમેદવારને જીતવા માટે કુલ વેઇટેજના 50 ટકાથી વધુની જરૂર પડે છે.
જો કોઈ રાજ્યમાં વિધાનસભા જ ભંગ થઈ ગઈ તો:
📌બંધારણની કલમ 71(4)માં જણાવ્યાનુસાર, રાષ્ટ્રપતિ પદની ચૂંટણી કોઈપણ સંજોગોમાં અટકાવવામાં નહીં આવે. જો કોઈ રાજ્યની વિધાનસભા ભંગ થઈ જાય અથવા ઘણા રાજ્યોમાં વિધાનસભાની બેઠકો ખાલી હોય તો પણ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી સમયસર યોજવામાં આવે છે.
✍ @Hims_Gohil

0 Comments